શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા |
શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળાની સ્થાપના ૧૦પ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ સંસ્થા જીવદયાના ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બોટાદ પંથકમાંથી અગર દુરના વિસ્તારમાંથી ગમે તેટલી સંખ્યામાં આવતાં-માંદા-મૂંગાં અને અપંગ પશુઓ માટે સંસ્થા વર્ષોથી સતત આશ્રય અને સેવાનું કાર્ય કરે છે. |
બોટાદ મહિલા મંડળ |
ઇ.સ. ૧૯પપની સાલમાં બોટાદના પીઢ સામાજીક કાર્યકર માનનીય શ્રી જયંતિભાઇ બારભાયાએ બોટાદની આર્થિક અને સામાજીક રીતે પછાત મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલા મંડળની સ્થાપના કરી. પ્રારંભમાં તેના પ્રમુખ તરીકે સુકન્યાબેન તથા મંત્રી તરીકે પુષ્પાબેન પારેખની નિમણુંક કરી અને મહિલા મંડળની કાયદેસર માન્યતા મેળવી. પાછળથી આ સંસ્થા શ્રીમતિ ઇન્દુમતીબેન ધીરજલાલ છોટાલાલ કાનીયાડવાળાના અનુદાનથી બનેલા પોતાના મકાનમાં સક્રિય થઇ અને મહિલામંડળ "શ્રીમતિ ઇન્દુમતીબેન કાનીયાડવાળા મહિલામંડળ " તરીકે પ્રસિધ્ધ થયું
|
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી
|
શ્રી રસીકલાલ દોશી, શ્રી ગુણવંતભાઇ વડોદરીયા, શ્રી કુમારપાળ દેસાઇ, શ્રી ચંપકભાઇ દોશી, શ્રી કાન્તીભાઇ દોશી, શ્રી ચંદુભાઇ દાણી આદિ સેવાભાવી સદગુહસ્થોના પ્રયત્નથી બોટાદમાં આશરે છેલ્લા બે દાયકાથી રેડક્રોસ સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે. શ્રી રસીકભાઇ વોરા, શ્રી કિશોરભાઇ શાહ, શ્રી કાંતીભાઇ શાહ, શ્રી જે.એમ.શુકલ, શ્રી ઉપેન્દ્રભાઇ દવે અને અન્ય સાથીદારો દ્વારા સેવાપ્રવૃતિ ચાલે છે.
|
જાયન્ટસ ગૃપ ઓફ બોટાદ |
છેલ્લાં બારેક વર્ષથી બોટાદમાં શિક્ષણ, આરોગ્ય, સમાજ સેવાના વિવિધ પાસાંઓમાં સક્રિય રહેલી સેવા સંસ્થા જાયન્ટસ ગૃપ ઓફ બોટાદ અને તેની પાંખોરૂપ મહિલા એકમ ‘સાહેલી જાયન્ટસ’ અને યંગ જાયન્સ પણ સક્રિય છે. શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી તારલાઓનું સન્માન, મફત કે રાહત દરે રોગ નિદાન કેમ્પ, વિવિધ રોગોના નિવારણ માટે રસીકરણના કાર્યક્રમો, વૃક્ષારોપણ, પરબો, છાશ કેન્દ્ર, નિદાન કેન્દ્ર, ઉપરાંત પરિક્ષા વખતે વિદ્યાથીઓને પ્રોત્સાહક કારકિર્દી માર્ગદર્શક પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. |
સમર્પણ ગૃપ |
છેલ્લાં ત્રણ વર્ષથી વડીલોનો વિસામો નામે શહેરના નિવૃત્ત વૃધ્ધોને વૈવિદ્યપુર્ણ સાંસ્કૃતિક સેવાઓ આપી જીવનની પશ્વિમ વયમાં નિવૃત્તિ ગાળતા લોકોને માટે ખરેખરો વિસામો બન્યું છે. સંગીત, નાટક, ભજનપ વ્યાખ્યાન, પ્રવાસ, જાદુના ખેલ, કવીઝ, અંતાક્ષરી, જુના ફિલ્મી ગીતોના કાર્યક્રમો, સંતોના પ્રવચનો જેવા વૈવિધ્યપુર્ણ રંજક અને બોધક કાર્યક્રમો દર રવિવારે નદી કિનારે કામદર વાંચનાલય સ્વાધ્યાય હોલમાં કરે છે. શહેરના વૃધ્ધોને માટે આ પ્રવૃત્તિ આનંદ રૂપ બની છે. |
શ્રી પાર્શ્વનાથ સેવા કેન્દ્ર |
આ સંસ્થા દ્વારા અનેકવિધ માનવસેવાકીય તથા જીવદયાની પ્રવૃત્તિઓ થઇ રહી છે. જેમાં આરોગ્ય ક્ષેત્રે સર્વરોગ નિદાન કેમ્પ, હરસમસા સારવાર કેમ્પ, દંતયજ્ઞ તથા આંખના ઓપરેશન કેમ્પના આયોજનમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ જાયન્ટસ ગૃપ ઓફ બોટાદ, રેડક્રોસ, જુનિયર ચેમ્બર વગેરેના સહયોગથી કરવામાં આવે છે. જીવદયા ઉપરાંત માનવસેવાકીય પ્રવૃત્તિઓમાં પાણીનાં પરબો, છાસકેન્દ્રો, આર્થિક રીતે નબળા કુટુંબોને અનાજ તથા જીવનજરુરી ખાદ્યચીજોનું વિતરણ અને તહેવારોમાં મિઠાઇ વિતરણ કરવામાં આવે છે. |
બોટાદ નગર: સામાજિક સેવાભાવી સંસ્થાઓ -