જાણીતા મહાનુભાવો -
 
શ્રી કવિવર બોટાદકર -  
     કવિશ્રી બોટાદકરનું નામ લેતાંની સાથે જ કોઇપણ ગુજરાતી વ્‍યકિતની જીભ પર શબ્‍દો રમવા માંડે...
     ‘ જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ’
      બોટાદકરે અભ્‍યાસમાં ગુજરાતી છ ધોરણ પાસ કરીને માત્ર ચૌદ વર્ષની વયે મદદનીશ શિક્ષક તરીકે નોકરી સ્‍વીકારી લીધી. પગાર પેટે માસિક રૂ. અઢી મળવા લાગ્‍યા. સાંસારીક જવાબદારીનું વહન કરવામાં અભ્‍યાસ પડતો મૂકયો. શ્રી દેવશંકર ભટ્ટ પાસેથી કવિ પિંગળ શિખ્‍યા. સત્તર વર્ષની ઉંમરે તેમણે કાવ્‍યો લખ્‍યાં. તે કાવ્‍યો પ્રગટ પણ થયાં. મિત્રો હવે તેમને કવિ કહેવા લાગ્‍યા.
      તેમના મહત્‍વના કાવ્‍યસંગ્રહોમાં ‘કલ્‍લોલિની’,‘સ્‍ત્રોતસ્વિની ’, ‘નિર્ઝરિણી’, ‘રાસ તરંગિણી’ અને ‘શૈવલિની’નો સમાવેશ થાય છે.
      "જનનીની જોડ સખી નહિ જડે રે લોલ." "ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ...", ‘એક કુહૂં કર આજનું રે ’ જેવી પંકિતઓ અને ‘માતૃગુંજન’, ‘ભાઇબીજ’, ‘આંણા’, ‘એભલવાવ’, ‘ઉર્મિલા’, ‘બુધ્‍ધનું ગૃહાગમન’ એમનાં લોકપ્રિય કાવ્‍યો છે.
 
શ્રી ઝવેરચંદ મેઘાણી -
     જેમણે સૌરાષ્‍ટ્રના લોકહ્રદયને પુન:સ્‍પંદિત કર્યું. જેમને કંઠે લોકકવિનાં વેણ વહ્યાં. જેમના બુલંદ અવાજે ગુર્જર સાહિત્‍ય કુંજમાં નવચેતન ચમકયું, જેમની કલમે લોકકથાને વાચા આપી, જેની કવિતાઓ જનતાના દિલ હરી લીધાં, જેનાં શૌર્યગીતોએ નિદ્રિતને ઢંઢોળી, રાષ્‍ટ્ર-પ્રેમવંતા બનાવ્‍યાં. જેના દિલમાંથી ઊર્મિની અખંડધારા સ્‍ત્રોત બનવા પામી. જેની રસધાર-કથાઓના શબ્‍દે, પાળિયાઓને વાણી દીધી, જેણે દલિતોના ઉના આંસુ લૂછી એમને હસતા કર્યા. જેણે શહિદીની સુંદરતાનો કસૂંબી રંગ જગવ્‍યો - એ સોરઠી રાષ્‍ટ્રશાયર અને લોકહ્રદયની મૂંગી કવિતાના અમર ગાયક ઝવેરચંદ મેધાણીનો કંઠ, કલમ અને કવિતા સોરઠની પ્રેમ ધરતીનું અમૂલું ધન છે, બોટાદના ઈતિહાસનું એક સુવર્ણ અક્ષરે પાન છે.
     બેઠી દડીની કાયા, સસ્‍તીલી આંખો, વાંકડિયા જુલ્‍ફાં, શરમાળું હાસ્‍ય અને સદાય હેત પાથરતું મુલાયમ હૈયું એટલે મેઘાણીભાઇ.
 
શ્રી મોહમ્‍મદ માંકડ -
     બોટાદ પાસેના પાળિયાદ માં જન્‍મેલા અને બોટાદને કર્મભૂમિ બનાવી છઠ્ઠા-સાતમાં દાયકામાં શિક્ષક તરીકે કામ કરતાં મહંમદ ભાઇ ગુજરાતમાં વાર્તાકાર-નવલકથાકાર તરીકે ખૂબજ જાણીતા છે. કાયર, ધુમ્‍મસ જેવી નવલકથાઓ, કેલીડોસ્‍કોપ જેવી કટારોથી બહોળો વાચકવર્ગ મેળવી શકેલા મહંમદભાઇ ગુજરાત સાહિત્‍ય અકાદમીના પ્રથમ અધ્‍યક્ષ અને ગુજરાત પબ્‍લીક સર્વિસ કમિશનના સભ્‍ય પણ હતા.