ઈતિહાસ અને સ્‍થાપત્‍ય -
 
     રામાયણના શ્રવણવધ પ્રસંગનું પુનરાવર્તન થતું હોય તેવી એક સંવત ૧૭રર આસપાસની ચારણની લોકકથા છે. વૃધ્‍ધ ચારણ દંપતિનો પુત્ર નદીમાં પાણી ભરવા ગયો ત્‍યાં શિકારીના હાથે બંદૂકની ગોળીએ વીંધાઇ ગયો.નિરાધાર વૃધ્‍ધ દંપતીએ જે નદીમાં તેના પુત્રની હત્‍યા થઇ, તે નદીમાં પાણી નહિ રહે એવો શાપ આપ્‍યો. જે આજની બોટાદ ગામની વચ્‍ચેથી પસાર થતી સુકી નદી ઉતાવળી. જેના હાથે ચારણપુત્રનું મૃત્‍યુ થયું હતુ એ ભોજાભાઇએ આ ગામનું તોરણ સંવત ૧૭રરના વૈશાખ સુદ ત્રીજને દિવસે બાંધ્‍યું.
     "લોકોકિત પ્રમાણે બોટાદ ગામે ભોજભાઇ ખાચરે ઇ.સ. ૧૬૬૬ સંવત ૧૭રરમાં ગામનું તોરણ બાંધ્‍યું. આ ગામ એ પાંચ ગામને ભાંગીને નવું સ્‍થાપ્‍યું હતું. જેવાકે ભોમવદર, સમળી, ધોળી, સાંઢગઢ અને ભોજાવદર "
      બોટાદની સ્‍થાપના ખરેખર કોણે કરી, તે જાણી શકાયું નથી. પરંતુ મહંમદ બેગડાના સમયમાં બોટાદ નામ ઈતિહાસમાં પ્રકાશમાં આવ્‍યું હોય તેમ જણાય છે. મહંમદ બેગડાના શાસનકાળ દરમ્‍યાન આ વિસ્‍તારમાં કાઠીઓનું વર્ચસ્‍વ વધારે જણાય છે. ઈ.સ. ૧રપ‍૦ની આસપાસ રા'મહિપાલ ત્રીજાના વખતમાં સોનકજીને બોટાદની આસપાસનો પ્રદેશ મળ્યો હોવાનાં ઉલ્લેખ જોવા મળે છે. મહંમદ બેગડાના સમયમાં હાલાજી પરમાર જેઓએ મુસલમાન ધર્મ અંગીકાર કર્યો હતો. તેમને ઇ.સ. ૧૪૮૦માં બોટાદની ચોવીસી મળી હતી એમ ઉલ્લેખ મળે છે.